રુદ્રાક્ષ
જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,
‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’
રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.
રુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મુળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે.
શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.
ગૌરી-શંકર રુદ્રાક્ષ = કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે.તે પ્રેમ, આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ પત્નિ અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.
એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ= ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે.
બે મુખી રુદ્રાક્ષ = આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર(શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમરૂધ્ધી વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધ ને દ્ર્ઢ બનાવનાર છે. તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
ત્રણ મુખી રુદ્રાક્ષ = અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર તથા તાવ જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
ચાર મુખી રુદ્રાક્ષ = બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક,યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
પંચમુખી રુદ્રાક્ષ = આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઉંચાઇનો અનુભવ કરાવે છે.
છ મુખી રુદ્રાક્ષ = સન્મુખનાથ અથવા કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારી અને શૂક્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
સાત મુખી રુદ્રાક્ષ = અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
આઠ મુખી રુદ્રાક્ષ = ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
નવ મુખી રુદ્રાક્ષ = ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિ લાભકારી અને કેતુ તથા શૂક્ર સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
દશ મુખી રુદ્રાક્ષ = જનાર્દન(વિષ્ણુ)સ્વરૂપ અને બૂધ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
અગીયાર મુખી રુદ્રાક્ષ = રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.
બાર મુખી રુદ્રાક્ષ = આદિત્ય(સૂર્ય)સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ધારણ કરનારને શત્રુઓ થી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ, હ્રદય,લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે.
તેર મુખી = કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફો થી રક્ષણ કરનાર મનાય છે.
ચૌદ મુખી = શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ પણ અને એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે. શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખુબ જ લાભદાયક છે.
પંદર મુખીથી એકવીશ મુખી રુદ્રાક્ષ અતિ કિંમતી અને અલભ્ય મનાય છે.
એકવીશ મુખી રુદ્રાક્ષ = કુબેર(ધન સંપતિ ના દેવ)સ્વરૂપ અને ધારણ કરનારને અદભૂત આર્થીકલાભ કરાવનાર મનાય છે.